નવજીવન : લેંગ લાઈબ્રેરીના સદીઓ જૂના ૪૫૦૦ થી વધુ પુસ્તકોને મળ્યું ડિજિટલ સ્વરૂપ

નવજીવન : લેંગ લાઈબ્રેરીના સદીઓ જૂના ૪૫૦૦ થી વધુ પુસ્તકોને મળ્યું ડિજિટલ સ્વરૂપ

*ગુજરાતમાં સૌથી પહેલો પાયલોટ પ્રોજેક્ટ* *નવજીવન : લેંગ લાઈબ્રેરીના સદીઓ જૂના ૪૫૦૦ થી વધુ પુસ્તકોને મળ્યું ડિજિટલ સ્વરૂપ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ *ઇતિહાસ, જીવન ચરિત્ર, આયુર્વેદ, તત્વજ્ઞાન, નવલકથા સહિતના પુસ્તકોના ડિજિટલાઇઝેશન થકી અલભ્ય પુસ્તકો બનશે અમર - લોકભોગ્ય* • ગ્રંથપાલ અને લાયબ્રેરીની ટીમ દ્વારા કરાયેલી ચાર વર્ષથી વધુની મહેનત રંગ લાવી • ડિજિટલ પુસ્તકો અભ્યાસુ અને સંશોધનકર્તાઓ માટે ઉપયોગી બનશે • ગ્રન્થાલય સપ્તાહ દરમ્યાન ચાલી રહ્યું છે પુસ્તક પ્રદર્શન પુસ્તક એ માત્ર શબ્દોનો સંગ્રહ નથી, એમાં છુપાયેલો છે ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સંસ્કૃતિ, પરંપરા અને અનેક અમર કથાઓ. સદીઓ જૂના અનેક પુસ્તકોનું અસ્તિત્વ જોખમમાં છે, ત્યારે આજના ટેક્નોલોજીના યુગમાં આવા પુસ્તકોને નવજીવન આપવાનું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે રાજકોટની સૌથી જૂની લેંગ લાઈબ્રેરી (અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય- સ્થાપના ૧૮૫૬) એ. પુસ્તકોને ડિજિટલ સ્વરૂપ આપી તેને અમર કરવાની પ્રક્રિયા અંગે લાઈબ્રેરીના ગ્રંથપાલ શ્રી કલ્પાબેન ચૌહાણ જણાવે છે કે, અમારા પુસ્તકાલયમાં અનેક પુસ્તકો ૧૦૦ વર્ષથી વધુ જુના અને અલભ્ય છે. આ પુસ્તકોની બીજી કોઈ કોપી હોવાનું પણ ધ્યાને નથી અને જેની કિંમત અમૂલ્ય હોઈ આવા પુસ્તકો વાતાવરણની અસર હેઠળ ક્ષીણ થઈ જાય તે પૂર્વે તેમને બચાવવા અનેક પ્રયત્નો હાથ ધરેલા. અંતે અમારા ટ્રસ્ટી ગણ દ્વારા આ પુસ્તકોના ડિજિટલાઇઝેશન કરવા અંગે વિચારાયું. આ પ્રક્રિયા સમય માંગી લે તેવી હતી. અને આ માટે નાણાકીય ભંડોળ પણ જરૂરી હતું. નાણાકીય સહાય માટે અમે આ પ્રોજેક્ટ અંગે રાજ્ય સરકારમાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગમાં રજુઆત કરી અને અમને આ પ્રોજેક્ટ આગળ ધપાવવા ગ્રાન્ટ ફાળવવામાં આવી તેમ શ્રી કલ્પાબેન જણાવે છે. ગ્રંથપાલ જણાવે છે કે, ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ લેંગ લાઈબ્રેરીને આ કાર્ય પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરુ કરવા મંજુરી મળ્યાનું અમને ગૌરવ છે. આ પ્રોજેક્ટ બાદ રાજ્યની અન્ય લાયબ્રેરીઓને પણ જોડવામાં આવી. અમે લોકો છેલ્લા સાડા ચાર વર્ષથી પુસ્તકોનું ડિજિટલાઇઝેશન કરીએ છીએ ને લગભગ ૪૫૦૦ જેટલા પુસ્તકોને કોમ્પ્યુટરમાં સ્થાન આપી ચુક્યા છીએ. બૂક્સને ખાસ પ્રોસેસ કરી છે. માત્ર એટલું જ નહીં, તેનું પ્રોપર ઇન્ડેક્સિંગ પણ કર્યું છે. પાના નંબર-૨ પર પાના નંબર-૨ ભવિષ્યમાં આ પુસ્તકો લોકોને વાંચવા મળે તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે તેમ તેઓ જણાવે છે. ઈ-પુસ્તકમાં કોઈ પણ કી-વર્ડ નાખવાથી તે સર્ચ થઈ શકે તેવી પણ વ્યવસ્થા રાખવામાં આવી હોવાથી આ પુસ્તકો અભ્યાસુ, સંશોધનકર્તાઓને ખુબ ઉપયોગી બનશે તેમ તેઓ આશાવાદી સ્વરે જણાવે છે. હાલનો સમય ડિજિટલ ટેક્નોલોજીનો છે ત્યારે પુસ્તકોના અમૂલ્ય ખજાનાને સાચવવા લેંગ લાઈબ્રેરીની આ પહેલ અન્યોને પ્રેરણા પુરી પાડે છે.