છત્તીસગઢના શિક્ષણમંત્રીશ્રીના હસ્તે વનિતાબેન રાઠોડનું રાયપુર ખાતે સન્માન

છત્તીસગઢના શિક્ષણમંત્રીશ્રીના હસ્તે વનિતાબેન રાઠોડનું રાયપુર ખાતે સન્માન

*છત્તીસગઢના શિક્ષણમંત્રીશ્રીના હસ્તે વનિતાબેન રાઠોડનું રાયપુર ખાતે સન્માન* સર્વ શિક્ષા અભિયાન અને છત્તીસગઢના શિક્ષણ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે રાયપુર ખાતે યોજાયેલ બે દિવસીય 14 અને 15 નવેમ્બર જવાલાલ નેહરૂ રાષ્ટ્રીય શિક્ષણ સંગોષ્ઠીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર ૯૩ ના આચાર્ય વનિતાબેન રાઠોડ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દેશભરમાંથી કુલ ૫૧ ઇનોવેટિવ ટીચર્સને આમંત્રિત કરાયા હતા. જેમાં ગુજરાતના બે શિક્ષકો વનિતાબેન રાઠોડ રાજકોટ તથા પાટણ થી કપિલભાઈ શુક્લ તેમા સામેલ થયા હતા. પ્રથમ દિવસે પંડિત દિનદયાલ ઓડીટોરીયમ હોલમાં છત્તીસગઢના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેશ બઘેલ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઇ હતી. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે છત્તીસગઢના માનનીય શિક્ષણમંત્રી શિક્ષણ મંત્રી ડૉ. પ્રેમસાય સિંહ ટેકામ હતા. આ ઉપરાંત બે દિવસ દેશના નામી શિક્ષણવિદો તથા કેળવણીકારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તથા જુદા જુદા સત્રમાં તેમણે પોતાનું જ્ઞાન પીરસ્યું હતું. દેશના જુદા-જુદા રાજયોમાંથી આવેલા ઇનોવેટિવ ટીચર્સે પોતાના રાજ્યમાં થયેલી પ્રવૃતિઓ તથા પોતાની શાળામાં કરેલા નવતર પ્રયોગોને પ્રસ્તુત કર્યા હતા. ગુજરાતનું પ્રતિનિધિત્વ વનિતાબેન રાઠોડ તથા કપિલભાઈ એ કર્યું હતું. આ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે નોબલ પારિતોષિક ડૉ. અભિજીત બેનરજી, રુકમણી બેનર્જી (સીઈઓ પ્રથમ ફાઉન્ડેશન), અજીમ પ્રેમજી યુનિવર્સિટીના પ્રોફેસર રીશીકેશ, મેકીન મહેશ્વરી, વિનોદ વર્મા , સલમાન ખુર્શીદ, નારાયણ રામાસ્વામી, ડૉ. ધીર ઉપરાંત ઘણા દેશના શિક્ષણવિદો એ વિવિધ વિષયો પર પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ ગ્લોબલ સંગોષ્ઠિમાં આવતીકાલની શાળાઓ એટલે કે ભવિષ્યનું શિક્ષણ , વ્યવસાયિક શિક્ષણ , ભવિષ્યનું ઓનલાઇન શિક્ષણ, કોરોના કાળમાં શીખવા મળેલ બાબતો, સરકારી શાળાઓનું પુનઃ નિર્માણ, આગેવાન તરીકે શિક્ષક અને સમાવેશી વર્ગખંડો જેવા વિષયો પર ચર્ચાઓ થઈ હતી. દેશભરના ઉચ્ચ કક્ષાના શિક્ષણ જગતના વ્યાખ્યાતાઓ દ્વારા તથા સામેલ થયેલા ઇનોવેટિવ શિક્ષકો દ્વારા ચર્ચા વિચારણા પણ કરવામાં આવી. દેશભરમાં શિક્ષણ માટે કોરોના કાળમાં થયેલા પ્રયાસો અને પ્રયત્નો વિષે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા. કોરોના કાળ દરમિયાન શાળા નંબર 93 માં રાજકોટ ખાતે પણ ઘણાં નવાચારો અપનાવવામાં આવ્યા હતા. ખાસ કરીને તો વિદ્યાર્થીઓનું સર્જનાત્મક કાર્ય શરૂ રહે તે માટે વિદ્યાર્થીઓને વિવિધ કાર્ય સોંપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને વ્યવહારુ જ્ઞાન મળે ભવિષ્યમાં તેઓ આર્થિક ઉપાર્જન પણ કરી શકે તે માટે શાળા નંબર ૯૩ના બાળકોને વિવિધ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવતા શીખવવામાં આવે છે. માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહીં પરંતુ બાળક કંઈક સર્જન કરે અને બાળકની સર્જનાત્મક શક્તિ વિશે, તેમની મૌલિકતા અને કલ્પનાશક્તિ વિશે તે માટે શાળા નંબર 93 માં પ્રયાસો થઈ રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 93 માં કોરોના સમયમાં વિદ્યાર્થીઓને લાઇબ્રેરીના પુસ્તકો પણ ઘરે ઘરે વાંચવા પહોંચાડ્યા હતા. વિદ્યાર્થીઓ માટે youtube ચેનલ પર વિવિધ કાર્યક્રમો મોકલાયા હતા. ઓનલાઇન શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને વિવિધ સહઅભ્યાસિક કાર્યોમાં જોડવા માં આવ્યા હતા. શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પ જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા. ખાસ કરીને આ સમય દરમિયાન વિવિધ ઓનલાઇન સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. તથા તેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ એનાયત કરાયા હતા. જરૂિયાતમંદ પરિવારને કરીયાણાકીટ વિતરણ કરાય હતી. તેમના આ કાર્ય બદલ છતીસગઢ ના શિક્ષણ મંત્રી શ્રી પ્રેમસાય સિંહ ટેકામ તેમને સન્માનિત કરવામાં આવ્યા છત્તીસગઢના શિક્ષણ મંત્રાલયના સચિવશ્રી ઉપરાંત છતીસગઢ શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. આ બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી કિરીટસિંહ પરમાર સાહેબ, કેળવણી નિરીક્ષક શ્રી ડૉ. પૂર્વીબેન ઉચાટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી અતુલભાઇ પંડિત વાઇસ ચેરમેન બહેનશ્રી સંગીતાબેન છાયા, શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ, યુઆરસીશ્રી સાગઠીયા દીપકભાઈ, શૈલેષભાઈ ભટ્ટ તથા સી.આર.સી શ્રી પ્રકાશભાઈ ચાવડા દ્વારા શાળા પરિવાર ને તેમના ઉત્તમ કાર્યો માટે તથા કોરોના સમયમાં તેમણે કરેલા નવાચાર માટે અભિનંદન પાઠવવામાં આવ્યા છે.