રાજસ્થાનના સીકર જિલ્લામાં દાંતારામગઢ વિસ્તારમાં સનસનાટી મચાવે એવી એક ઘટના બની હતી. જેમાં 21 વર્ષના યુવકે પોતાના દસ વર્ષના પિતરાઇ ભાઇની ગરદન બ્લેડ વડે કાપી નાખી હતી. બે ભાઇઓનો ઝઘડો જોઇ રહેલા લોકો નિરાંતે વિડિયો ઉતારી રહ્યા હતા.
જો કે મોટાભાઇએ નાનાની ગરદન બ્લેડ વડે કાપી નાખી એનો ખ્યાલ તો લોહીની ધાર જોઇને લોકોને આવ્યો હતો. લોકો દોડી આવ્યા હતા પરંતુ ત્યારે તો બહુ મોડું થઇ ચૂક્યું હતું. નાનો ભાઇ મરણ પામ્યો હતો. સમગ્ર જિલ્લામાં આ ઘટનાથી હાહાકાર મચી ગયો હતો. મોટાભાઇએ છડેચોક કહ્યું હતું કે હા, મેં એને મારી નાખ્યો છે. હું પોલીસને પણ કહેવાનો છું કે મેં એને મારી નાખ્યો છે.
દરમિયાન, એ ગળું કાપી રહ્યો હતો એ વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ ગઇ હતી. હત્યારાને પકડનારા લોકોએ ખાચરિયાવાસ પોલીસ ચોકી અને દાંતારામગઢ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી હતી.
21 વર્ષના હત્યારા કૈલાસ ચંદે કહ્યું કે હું નાનો હતો ત્યારથી મારા કાકા મારી સતત મજાક ઊડાવતા હતા. એમને કારણે હું ભણી પણ ન શક્યો. એ સતત કહેતા કે તું સાવ બુદ્ધુ છે. તને કશું નથી આવડતું. કાકાના વર્તનથી હું ખૂબ નારાજ હતો એટલે એના છોકરાને પતાવી નાખ્યો.