સુરત શહેરના અડાજણમાં કારની લે-વેચ સાથે સંકળાયેલા વેપારીએ પાલ આરટીઓ સામે નવનિર્મિત કોમ્પ્લેક્સના અગિયારમા માળેથી કૂદીને મોતને વહાલું કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સોમવારની રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ આપઘાત કરનાર પારસ ઘરેથી નીકળી ગયા બાદ તેની શોધખોળ કરતાં મિત્રોને લાશ મળી હતી.આપઘાત પહેલાં વેપારીએ પોતાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં પોતાના જ ફોટા પર ઓમ શાંતિ, રેસ્ટ ઇન પીસ લખી મિત્રોને મેસેજ કર્યા હતા.
અડાજણ વિસ્તારમાં આવેલી કલાપી રેસિડેન્સીમાં પારસ શ્યામ ખન્ના(ઉં.વ.33) પરિવાર સાથે રહેતો હતો. પત્નીના ચારિત્ર પર શંકાને લઈ થતા ઝઘડા પારસને આપઘાત સુધી ખેંચી ગયા હોવાનું પ્રાથમિક તારણ છે. સોમવારની રાત્રે પણ પત્ની જોડે કોઈ વાત પર ઝઘડો થયા બાદ પારસ ઘરમાંથી બહાર નીકળી ગયો હતો, જેને લઈ પરિવારે તેને ઘણા ફોન કર્યા પણ તેનો સંપર્ક ન થતાં મિત્રોની મદદ માગી હતી.અડાજણ પોલીસે પારસ આપઘાત કેસમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે