રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં હાલ ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. સૂર્યનારાયણ પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યા હોય તે પ્રકારે ગરમીનો પારો રાજકોટ શહેરમાં 39 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ત્યારે ઉનાળામાં લોકો ડીહાઇડ્રેશનની તકલીફથી બચવા માટે મોટા પ્રમાણમાં તરબૂચનું સેવન કરતા હોય છે. ત્યારે રાજકોટ ના જુના માર્કેટિંગ યાર્ડમાં તરબૂચની મોટા પ્રમાણમાં આવક થવા પામી છે. હાલ રાજકોટ શહેરમાં દ્વારકા સોમનાથ વેરાવળ અમરેલી તેમજ મહારાષ્ટ્રમાંથી પણ તરબૂચની આવક થવા પામી રહી છે. જો કે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે પ્રમાણમાં આવક ઓછી છે તો બીજી તરફ તરબૂચ ની આવક સામે માંગ માં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ખેડૂતોને ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે તરબૂચ ના સારા ભાવ મળી રહ્યા છે. ન્યુઝ એટ ઈન ગુજરાતી સાથેની વાતચીતમાં વેપારીઓનું પણ કહેવું છે કે, ગત વર્ષે એક કિલો તરબૂચના ચારથી પાંચ રૂપિયા મળ્યા હતા જે ચાલુ વર્ષે 10 થી 11 રૂપિયા મળી રહ્યા છે. તો બીજી તરફ લોકોને 1 કિલો તરબૂચના 20 થી 25 રૂપિયા જેટલી કિંમત માર્કેટ માં ચૂકવવી પડી રહી છે.