પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રૂ. ૧૧૮ કરોડના “લાઈટ હાઉસ” પ્રોજેક્ટનું 1 જાન્યુઆરીએ ઈ-ખાતમુહૂર્ત

RAJKOT-NEWS Publish Date : 28 December, 2020 03:47 PM

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રૂ.૧૧૮ કરોડના “લાઈટ હાઉસ” પ્રોજેક્ટનું 1 જાન્યુઆરીએ ઈ-ખાતમુહૂર્ત

Rajkot 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂ. ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર લાઈટ હાઉસ” પ્રોજેક્ટ આવાસ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવશે તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.

ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ

લાઈટ હાઉસ પ્રોજેક્ટ- રાજકોટ

 

ભારત દેશના પ્રધાનમંત્રીશ્રી દ્વારા સને ૨૦૨૨ સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે સને ૨૦૧૫ માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ ઘટકો અંતર્ગત લાભાર્થી આવાસ મેળવી શકે છે. સને ૨૦૨૨ સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવા જરૂરી છે. જે ધ્યાને લેતા દેશભરમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકીસાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સુચન કરવામાં આવેલ છે.

કેન્દ્ર સરકારશ્રી ના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલ તેમજ ભારતમા અનુકુળ એવી ૫૪ ટેકનોલોજીને અલગ તારવવામાં આવેલ. આ અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત ૬ શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગ્રતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ) ની પસંદગી કરવામાં આવેલ છે. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત ૬ શહેરોમાં ૬ જુદી-જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણુક કરવામાં આવેલ છે. સમગ્ર કામગીરી MoUHA (મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સ) ના વડપણ હેઠળ BMTPC (બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ) દ્વારા કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવનાર છે

રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવશે. જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. ૧.૫ લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. ૧.૫ લાખ ની સહાય આપવામાં આવનાર છે.  આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. ૪.૦૦ લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવનાર છે. સ્માર્ટસીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે રૂ. ૧૧૮ કરોડના ખર્ચે EWS-II (૪૦.૦૦ ચો.મી.) પ્રકારના ૧૧૪૪ આવાસો (G+૧૩) નું નિર્માણ કરવામાં આવનાર છે.

રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નં ૩૨ માં ૪૫ મી. રોડ પર આ પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહેલ છે. આ આવાસ યોજના સ્માર્ટસિટી વિસ્તારમાં આવેલ ૩ તળાવો પૈકી એક તળાવ પાસે આવેલ હોય, આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે. દરેક આવાસમાં ૨ રૂમ, લીવીંગ રૂમ, રસોડું, ટોઇલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધાઓ ઉપરાંત પંખા, LED લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે. આવાસોમાં પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે.

 

આ પ્રસંગે કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના વિભાગના  મંત્રી હરદીપસિંહ પુરી, ગુજરાતના નર્મદા અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રી યોગેશભાઈ પટેલ, સાંસદ  મોહનભાઈ કુંડારીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, હાઈસિંગ અને નિર્મળ ગુજરાત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સેક્રેટરી લોચન સહેરા અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ ઉપસ્થિત રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ મંડળ સત્તામંડળ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૧ ના રોજ પરશુરામ મંદિરધામ પાસે, રૈયાગામ પાછળ, રૈયા રોડ રાજકોટ ખાતે યોજાનાર આ કાર્યક્રમ દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂ. ૧૧૨.૩૧ કરોડના જુદા જુદા વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.

Related News