શું તમે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છો? વધુ જાણવા માગો છો?
જીનિયસ સંવાદ અંતર્ગત 'માનસિક સ્વાસ્થ્યનું મહત્વ’ વિષય ઉપર ડો. યોગેશ જોગસણ અને ધ્રુતિકા બારડ દ્વારા રસપ્રદ વાર્તાલાપનું આયોજન
માનસિક અસ્વસ્થતા એ એકવિસમી સદીની વૈશ્વિક સમસ્યા છે અને તે અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશ્વભરમાં ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ પણ ઉજવાય છે
રાજકોટ:
રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા છેલ્લા કેટલાય મહિનાઓથી દર રવિવાર અવિરત ’જીનિયસ સંવાદ’ શિર્ષક સાથે શિક્ષણ, સમાજ, આધ્યાત્મ તથા સાંપ્રત વિષયોને આવરી લેતી સંવાદ શ્રેણીના અસ્ખલિત પ્રવાહનો અત્યાર સુધી હજારો લોકોએ ઓનલાઈન લાભ લીધો છે. આ સંવાદ શ્રેણીમાં આગામી રવિવાર, ૧૩ ડિસેમ્બરના રોજ ૧૧:૦૦ કલાકે 'માનસિક સ્વાસ્થ્યનું મહત્વ’ વિષય ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. યોગેશ જોગસણ અને યુવા વકિલ અને સામાજીક કાર્યકર શ્રી ધ્રુતિકા બારડ દ્વારા સંવાદ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સંવાદનો લાભ સર્વ જનતાને નિ:શુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ-ટયુબ ચેનલ અને ફેસબુક પેઇજના માધ્યમથી લાઈવ પ્રસારીત કરવામાં આવશે.
જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન અને જાણિતા શિક્ષણવિદ શ્રી ડી.વી મહેતા કહે છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અંદાજ મુજબ ભારતમાં ૭.૫% લોકો કોઈને કોઈ માનસિક બિમારીથી પિડાય રહ્યા છે અને આ વર્ષના અંત સુધીમાં તે આંકડો ૨૦% ને આંબી જશે તેવો અંદાજ છે. હવે શારીરિક સ્વાસ્થ્યની સાથોસાથ પ્રજાએ માનસિક સ્વાસ્થ્યનું મહત્વ પણ સમજવુ આવશ્યક છે. તાજેતરની કોરોના મહામારીને લઈને છેલ્લા દસ મહિનાઓથી દરેક વય જુથના લોકો બેચેની, તણાવ, ચિંતા, અનીંદ્રા, એકલતા, ભય, ડિપ્રેશન જેવી માનસિક અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. જેનુ પરિણામ આત્મહત્યા જેવા પગલા સુધી પણ પહોંચી શકે છે. આવા સમયે આપણા સમાજમાં લોકોને આ માનસિક અસ્વસ્થતા છે, તેને સ્વિકારી અને તેને સ્વસ્થતા તરફ લઈ જવા નિષ્ણાતો અને ડોકટરોની મદદ લઈ શકાય છે અને કોઇ પણ સંકોચ વગર લેવી જ જોઇએ, તે અંગે જાગૃતિ લાવવી ખુબ જ આવશ્યક બની ગઇ છે. આ હેતુ માટે જીનિયસ ગ્રુપ દ્વારા વિષય નિષ્ણાતોની મદદથી માનસિક સ્વાસ્થ્યનું મહત્વ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, યુવાઓ, શાળા સંચાલકો, સામાજીક કાર્યકરો, નેતાઓ અને સમાજ અગ્રણીઓને સમજાવવા ઓનલાઇન સંવાદનુ આયોજન કરવામાં આવ્યું છે. આ સંવાદનો તમામ વર્ગ લાભ લે તેવી મારી લાગણી છે.
આ સંવાદના નિષ્ણાત ડો. યોગેશ જોગસણ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે. તેમણે ભાવનગર યુનિવર્સીટીમાંથી સાયકોલોજીમાં પીએચડીની પદવી હાંસલ કરેલ છે અને તેઓ છેલ્લા ૧૭ વર્ષથી સંશોધન સાથે જોડાયેલા છે. તેમણે કલિનિકલ સાયકોલોજીમાં સ્પેશ્યલાઇઝેશન કરેલ છે. તેમને શ્રેષ્ઠ સંશોધન પત્ર માટે ગુજરાત સાયકોલોજી એસોસિએશન દ્વારા પ્રો. પુષ્પાબેન દલાલ એવોર્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના IQAC દ્વારા સંશોધન ક્ષેત્રે યોગદાન બદલ પ્રો. ડોલરરાય માંકડ એવોર્ડ, તેમજ તાજેતરમાં ઇન્ડિયન સાયકોલોજી એસોસિએશન દ્વારા એકેડમીક એકસલન્સ એવોર્ડ ઉપરાંત ઘણા એવોર્ડ એનાયત થયા છે. તેમના ૧૧૦ કરતા વધુ સંશોધન પત્રો અને લેખ પ્રકાશિત થયા છે, ૩૦ જેટલા પુસ્તકો તેમણે લખ્યા છે. તેમના માર્ગદર્શનમાં અનેક વિદ્યાર્થીઓએ એમ.ફીલ અને પી.એચ.ડી ની પદવીઓ મેળવી છે અને મેળવી રહ્યા છે. તેઓ સાયકોલોજી ક્ષેત્રના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે જોડાયેલા છે.
આ સંવાદના બીજા નિષ્ણાત, શ્રી ધ્રુતિકા બારડ યુવા વકિલ અને સામાજીક કાર્યકર હોવા ઉપરાંત, જીનિયસ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીની પણ છે, જે જીનિયસ પરિવાર માટે ગર્વની બાબત છે. તેણીએ અમદાવાદની સેન્ટ જેવિયર્સ કોલેજમાંથી બી.એ. વીથ ઇગ્લીશ અને ડિપ્લોમા ઇન જર્નાલીઝમ કરેલ છે. હાલમાં તેઓ વકિલાતના અભ્યાસ ઉપરાંત ઇગ્નોમાંથી એમ.એ. નુ પણ શિક્ષણ લઈ રહ્યા છે. સાથે-સાથે તેણી યુવા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને સિવિલ સર્વીસની પરિક્ષા અંગેના શિક્ષણમા સહાય આપવાનુ કામ કરતી સમાજ સેવિકા તરીકે પણ કાર્યરત છે. તેણી યુવાઓને માનસિક અસ્વસ્થતા અંગેની સમજ આપતા ગ્રુપ સેશનના પણ આયોજન કરે છે. ધ્રુતિકા તેના પોતાના જીવનના એક તબક્કે માનસિક અસ્વસ્થતા અનુભવતી હતી અને તેમાંથી તેણી સુપેરુ બહાર આવી અને માનસિક અસ્વસ્થતા અનુભવતા લોકો માટે એક દ્રાષ્ટાંત રુપ સાબીત થવામાં કોઇ જાતનો છોછ નથી અનુભવતી. તે લોકોને માનસિક સ્વાસ્થ્ય માટે નિષ્ણાતો અને ડોકટરોની સલાહ લેવા પણ પ્રોત્સાહિત કરે છે. ધ્રુતિકા કહે છે કે," આપણુ મન/મગજ માનવ શરીરમાં સૌથી વધુ કાર્યશીલ અને મહત્વનું અંગ છે, તો પછી શા માટે તેના પ્રત્યે સૌથી ઓછું ધ્યાન આપવામાં આવે છે?"
આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અથવા તો જીનિયસ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પરથી રવિવારને ૧૩ ડિસેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોડાય શકાશે. આ સંવાદના અંતે નિષ્ણાતો સમક્ષ આપને મુંજવતા પ્રશ્નો કોમેન્ટ સેકશનમાં મુકવા, જેમનો વક્તાઓ દ્વારા યોગ્ય ઉત્તર આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. સંસ્થાના ચેરમેન શ્રી ડી. વી. મહેતા આ સંવાદમાં જોડાવા સર્વ જનતાને આમંત્રણ આપે છે.
આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન શ્રી ડી. વી. મહેતા અને સીઇઓ શ્રી ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ અને આઇટી હેડ શ્રી પ્રમોદ જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે