જેતપુર ખાતે ૨૭ ડોકટરો સહિત ૯૪ વોરિયર્સને કોરોના રસીના પ્રથમ ડોઝ દ્વારા રક્ષિત કરાયા

SAURASHTRA Publish Date : 16 January, 2021 07:16 PM

કોરોના સામે આત્મગૌરવ સાથે સંધર્ષ બાદ અમોધ સુરક્ષા કવચ સ્વદેશી કોરોના રસી તૈયાર કરી તે સમગ્ર દેશવાસીઓ માટે ગૌરવપૂર્ણ બાબત

-મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા

 

જેતપુર ખાતે ૨૭ ડોકટરો સહિત ૯૪ વોરિયર્સને કોરોના રસીના પ્રથમ ડોઝ દ્વારા રક્ષિત કરાયા

 

          આજરોજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં કારોના વેકસીનેશનનો પ્રથમ રાઉન્ડ શરૂ કરાયો તે અન્વયે રાજકોટ જિલ્લાના જેતપુર સી.એચ.સી.  ખાતે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાની પ્રેરક ઉપસ્થિતીમાં ફ્રન્ટલાઇન કારોના વોરીયર્સ એવા ૨૭ તબીબો સહિત કુલ ૯૪ મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફને કારોના વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો હતો.

            મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ કાર્યક્રમનું દીપ પ્રગાટય વડે શુભારંભ કરાવતા જણાવ્યું હતુ કે કોરોના મહામારીએ માનવીય સંવેદનાની ચરમસીમા સુધી અસરકારતા દર્શાવી છે. વિશ્વભરમાં લોકોને આર્થિક, સમાજીક, માનસીક યાતના અને નુકશાની વેઠવી પડી છે. આમ છતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ આપણા સમગ્ર દેશવાસીઓએ જે આત્મગૌરવ અને ધિરજપૂર્વક આ મુશ્કેલ સમયનો  સામૂહીક એકતા અને સહભાગીતા સાથે સામનો કર્યો છે. તે સમગ્ર વિશ્વ માટે અનુકરણીય બાબત બની રહી છે. ભારત દેશે કોરોના સામે સ્વદેશી રસીનું નિર્માણ કરી અને તેનું વિશ્વની મોટી જનસંખ્યામાં રસીકરણ સફળ શરૂ કરી સમગ્ર વિશ્વમાં અગ્રીમ હરોળમાં સ્થાન મેળવ્યું છે. તે સૌ દેશવાસીઓ માટે ગૌરવપૂર્ણ બાબત છે.

આ તકે કોરોના સંક્રમણ સમયે પોતાની જિંદગી દાવ પર લગાવી અન્ય લોકોને સુરક્ષીત કરવા ઝઝુમતા એવા ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ ડોકટરો અને પેરામેડીકલ સ્ટાફ સહિત તમામ સંબંધીત કર્મચારીઓ અને સ્વયંસેવકોની નિષ્કામ સેવાને બીરદાવતા તેઓએ આ ફ્રન્ટલાઇન વોરીયર્સ મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફને કોરોના રસી વડે સુરક્ષીત કરવાના સરકારશ્રીના નિર્ણયને હર્ષભેર વધાવ્યો હતો. આ તકે તેઓએ તબક્કાવાર સૌ કોઇને કોરોના વેકસીનનો લાભ મળે તે માટે રાજય સરકાર દ્વારા સુચારૂ આયોજન કરાયું છે જેનો લાભ લેવા અને રસીકરણ બાદ પણ સલામતીના પગલાઓ જેવા કે વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું અને સલામત અંતર જાળવવાની તકેદારી રાખવા શ્રી જયેશભાઇએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઇ ખાચરીયાએ કોરોના વેકશીનેશનના શુભારંભ માટે કેન્દ્ર અને રાજય સરકારનો આભાર વ્યકત કરતા સામુદાયીક વેકસીનેશનના આ સૌથી મોટા અભિયાનને પડકારરૂપ ગણાવતા આ પડકારને સફળતાપૂર્વક પાર પાડવા શુભેચ્છા સાથે સૌ કોઇને આ અભિયાનમાં સહભાગિતા દાખવવા અનુરોધ કર્યો હતો.

             આ તકે કોરોના રસીના પ્રથમ લાભાર્થી એવા જેતપુર હોસ્પિટલના એ.ડી.એચ.ઓ. ડો. એમ.એસ.અલીએ દેશમાં કોરોના રસીકરણના પ્રારંભને હર્ષભેર વધાવતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરાયેલ સુચારૂ વ્યવસ્થાને બીરદાવી હતી. તેઓએ આ રસીને સંપૂર્ણ સુરક્ષીત હોવાનું આશ્વસ્ત કરતા વધુમાં જણાવ્યું હતુ કે તમામ લોકોએ આ રસીકરણમાં ભાગ લઇને અવશ્ય રસી મુકાવવી જોઇએ.

            જેતપુરના ખાનગી તબીબ એવા ડો.સ્નેહલ સાપરીયાએ દેશની સ્વદેશી એવી કોરોના રસીને ભારતની વિશ્વકક્ષાએ નોંધનીય સિધ્ધી દર્શાવતા વિશ્વની મોટી વસ્તી ધરાવતા આપણા દેશમાં ટુંકા સમયમાં ઉપલબ્ધ કરાવાયેલ કોરોના રસી માટે તમામ વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓને અભિનંદન પાઠવી. કેન્દ્ર અને રાજયસરકાર દ્વારા રસીકરણ માટે કરાયેલી સુનિશ્ચિત અને સધન વ્યવસ્થાને બીરદાવી હતી.

            આ તકે ફ્રન્ટલાઇન કારોના વોરીયર્સ એવા ૨૭ તબીબો સહિત કુલ ૯૪ મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફને કારોના વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો હતો.

            કાર્યક્રમમાં રાજકોટ દુધ ઉત્પાદક સંધના ચેરમેનશ્રી ગોરધનભાઇ ધામેલીયા,શ્રી કુસુમબેન સરખેલીયા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઇ જોગી, અગ્રણીશ્રી દીનકરભાઇ ગુંદારીયા,પ્રશાંતભાઇ કોરાટ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.જે. ગોહેલ, તાલુકા હેલ્થ ઓફીસર ડો. કુલદીપ સાપરીયા,સુપ્રિટેન્ડેન્ટ ડો. નીકીતા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related News