રાજકોટ જિલ્લામાં ધન્વંતરી તથા સંજીવની આરોગ્ય રથ દ્વારા લોકોને ઘરઆંગણે આરોગ્યની સેવા આપતું આરોગ્ય તંત્ર

RAJKOT-NEWS Publish Date : 19 April, 2021 07:21 PM

રાજકોટ જિલ્લામાં ધન્વંતરી તથા સંજીવની આરોગ્ય રથ દ્વારા લોકોને ઘરઆંગણે આરોગ્યની સેવા આપતું આરોગ્ય તંત્ર

 COVID-19 વિશ્વ મહામારીના સમયમાં રોગચાળા અટકાયત કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સતત કાર્યરત છે. જેના ભાગ રૂપે દર્દીઓને સમયસર આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા ગામડાઓમાં અને નગરપાલિકા વિસ્તારમાં ધન્વંતરી તથા સંજીવની રથ મળી કૂલ ૬૧ મોબાઈલ રથ મારફત આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી રહી છે. 
આ ધન્વંતરી રથમાં આર.બી.એસ.કે ડોકટર અને તેમની સાથે પેરામેડીકલ ટીમ દ્વારા ગ્રામ્ય અને નગર પાલિકા વિસ્તારમાં સરકારના ઈતિહાસ પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ દ્વારા નોંધાયેલ વિસ્તાર, હાઈરીસ્ક અને લો-રીસ્ક એરીયામાં રહેતા લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવે છે. જેમાં થર્મલગન થી શરીરનું તાપમાન માપવામાં આવે છે. અને પલ્સ ઓક્સીમીટર વડે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ માપવામાં આવે છે. તથા બ્લડ પ્રેશર પણ માપવામાં આવે છે. જરૂર જણાય તેવા દર્દીને સ્થળ પર જ સારવાર આપવામાં આવે છે.
નગરપાલિકા વિસ્તારમાં વધારાના ૨૦ સંજીવની રથ ફાળવવામાં આવેલ છે. જેમાં એક આયુષ મેડિકલ ઓફિસર, એક ફીમેલ હેલ્થ વર્કર અથવા મલ્ટીપર્પજ હેલ્થ વર્કર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીની મુલાકાત લઈ તેના આરોગ્યની સતત દેખભાળ રાખવામાં આવે છે. તપાસ દરમ્યાન જો કોઈ દર્દીની તબિયત ગંભીર જણાય તો તુરંત તેમને કોવિડ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે છે.
ગત તા:૧૭/૪/૨૧ ના રોજ ધન્વંતરી રથ દ્વારા ૬૬૪૧ લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં ૭૮ તાવના કેસ, ૧૭૮ શરદી ઉધરસ ના કેસની તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. 
આ ઉપરાંત ઈમ્યુનીટી વધારે તેવી આયુર્વેદીક તેમજ હોમીયોપેથિક દવાનુ વિતરણ તેમજ ઉકાળાનુ વિતરણ સ્થળ પર જ કરવામા આવે છે. લોકોમાં કોરોના રોગ અટકાયત અન્વયે જનજાગ્રુતિના ભાગ સ્વરુપે લોકોને માસ્ક ફરજીયાત પહેરવુ, સામાજિક અંતર જાળવવુ , ભીડભાડ વાળી જગ્યાએ જવાનુ ટાળવુ વગેરે બાબતે માઇક પ્રચાર દ્વારા જાણકારી આપવામાં આવે છે. 
 હારશે કોરોના જીતશે ગુજરાતના નારા સાથે રાજકોટ ગ્રામ્યની જનતાને આરોગ્ય સેવાઓ પુરી પાડવા માટે ધન્વંતરી રથની ટીમ સદાય કટિબધ્દ્ધ છે. તેથી કોઈપણ વ્યક્તિને તાવ, શરદી ઉધરસ જેવા લક્ષણો જણાય તો તુરંત તમારા વિસ્તારમાં આવતા ધન્વંતરી રથમાં તપાસ કરવી સારવાર અચૂક લેવા આરોગ્ય તંત્ર દ્વારા ખાસ આપીલ કરવામાં આવી છે.

Related News