જીવન પ્રત્યેના હકારાત્મક વલણથી કોવીડ-૧૯ના હતાશ દર્દીઓને નવજીવન બક્ષતું સૌરાષ્ટ્ર યનિવર્સીટીનું મનોવિજ્ઞાન ભવન

RAJKOT-NEWS Publish Date : 15 May, 2021 06:28 PM

જીવન પ્રત્યેના હકારાત્મક વલણથી કોવીડ-૧૯ના હતાશ દર્દીઓને નવજીવન બક્ષતું સૌરાષ્ટ્ર યનિવર્સીટીનું મનોવિજ્ઞાન ભવન
 

 

કોરોના મહામારીના સમયમાં કોરોનાના દર્દીઓને ઉગારવા
શારીરિકની સાથે માનસિક સારવારનો સધિયારો ઉદિપક સમાન

રાજકોટ 

ચીંતા એ ચિતા સમાન છે. હાલના કોરોના કાળમાં આ ઉક્તિ મહદ અંશે વ્યાપ્ત હોય તેવું લાગી રહ્યું છે. મહામારીમાં અકારણ ભય અને વધુ અધુરી માહિતીને કારણે નકારાત્મક વિચારસરણી કોરોનાના દર્દીઓની સારવારમાં અડચણરૂપ બની રહે છે.

આવા સમયે કોરોના દર્દીઓને જીંદગી પ્રત્યેના નકારાત્મક વલણોમાંથી બહાર લાવી સકારાત્મક વિચારો દ્વારા નવી ઉર્જાનો સંચાર કરી તબીબી સારવારને પરીણામલક્ષી બનાવવામાં રાજકોટ ખાતેની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યાગેશભાઇ જોગાસણના વડપણ હેઠળ ડો. હસમુખભાઇ ચાવડા અને તેમની ટીમની કામગીરી ઉદિપક સમાન બની રહી છે.
         તાજેતરમાં જ કોરોના સંક્રમીત એવા રાજકોટના બજરંગ વાડી વિસ્તારના રહેવાસી રાજેશભાઇ વૈદ્યને મનોવિજ્ઞાન ભવનના ડો. હસમુખભાઇ ચાવડાની ૨૪ દિવસની સાઇકોલોજીકલ સારવારે કોરોના મુક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભુમિકા નિભાવી છે.
        રાજેશભાઇ વૈદ્યના પુત્રી તન્વીબેને આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે કારોના સંક્રમિત થતાં મૃત્યુના અકારણ ભય અને સતત નકારાત્મક વિચારોને કારણે તેમના પિતા સતત ડિપ્રેશનમાં રહેતા હતા. આત્મઘાતી વિચારો, અકારણ ચિડીયાપણું અને વારંવાર ગુસ્સો કરતા હતા. જેને કારણે આહાર-વિચારના અસંતુલનને કારણે ડોકટરની સારવાર પણ ધાર્યું પરીણામ લાવી શકતી ન હતી. આથી ફેમીલી ડોકટરના સુચન મુજબ અમે મનોવિજ્ઞાન ભવનના ડો. હસમુખાઇ ચાવડાનો સંપર્ક કરી તેઓને મુશ્કેલી જણાવતાં તેઓએ સતત ૨૪ દિવસ સુધી સાઇકોલોજીકલ થેરાપી દ્વારા સારવાર આપતા હાલ તેઓ જીવન પ્રત્યે હકારાત્મક વલણ સાથે મજબુત મનોબળ કેળવી લેતા તબીબી સારવાર થકી સ્વસ્થ બન્યા છે.
પોતાને જીવન પ્રત્યેની નવી દ્રષ્ટી અને મજબુત મનોબળ દ્વારા નવજીવન આપવા બદલ  રાજેશભાઇ વૈદ્ય ડો. હસમુખભાઇ ચાવડા અને તેમની સમગ્ર ટીમનો આભાર વ્યકત કરતા અપીલ કરે છે. માનવજીવન એ ઇશ્વરના આશિષ સમાન છે, નકારાત્મકતા દ્વારા તેને અવગણવાને બદલે હકારાત્મક વિચારો અને રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા ઉજ્જવળ બનાવવું જોઇએ.

Related News